વહાલો પ્રેમને વશ થયા રાજી રે

નરસિંહ મહેતા
ભજનભક્તિકૃષ્ણ
18
વહાલો પ્રેમને વશ થયા રાજી રે, એમાં શું કરે પંડિત ને કાજી રે. વહાલો૦ કરમાબાઇનો આરોગ્યો ખીચડો, ને વિદુરની ખાધી ભાજી, જૂઠાં બોર શબરીનાં ખાધાં, વહાલે છપ્પન ભોગ મેલ્યાં, ત્યાગી રે. વહાલો૦ વિદુર ઘેર શ્રીકૃષ્ણ પધાર્યા, ને કેળાં આણ્યાં’તાં માંગી, ગર્ભ કાઢી નાખીને છાલ ખવડાવી, વહાલે તોયે ન જોયું ન જાગી રે. વહાલો૦ ગણિકા હતી તે પોપટને પઢાવતી, ને તેમાંથી લેહ લાગી, ભગવાન હતા તે સહેજમાં મળ્યા, એની સંસારની ભ્રમણા ભાગી રે. વહાલો૦ ભક્તની લોક નિંદા કરે, ને જગત થયું છે પાજી, ભલે મળ્યા મહેતા ‘નરસિંહ’ના સ્વામી, માથે ગિરધર રહ્યો છે ગાજી રે. વહાલો૦
નરસિંહ મહેતા