ત્રિભુવનનો નાથ બન્યો વાણિયો રે લોલ,
લીધું વહાલે ગૃહસ્થીનું રુપ જો… ત્રિભુવનનો
માથે મેવાડી પાઘડી રે લોલ,
ખંભે ખંતીલો ખેસ જો… ત્રીભુવનનો૦
અંગ અંગરખું શોભતું રે લોલ,
કંઠે એકાવળ હાર જો… ત્રીભુવનનો૦
કસબી તે કોરનું એનું ધોતિયું રે લોલ,
દસે આંગળીયે વેઢ જો… ત્રીભુવનનો૦
સવા લાખ રુપિયાની પગે મોજડી રે લોલ,
ચાલે વહાલો ચમકતી ચાલ જો… ત્રીભુવનનો૦
ઓધવ ક્રૂર લીધા સાથમાં રે લોલ,
સાથે મારા લક્ષ્મીજી માત જો… ત્રિભુવનનો૦
જૂનાગઢમાં વહાલો આવીયા રે લોલ,
પૂછે છે કાંઇ નરસૈયાનું ઘર જો ત્રીભુવનનો૦
નાગરી તે નાત લાગી પૂછવા રે લોલ,
નરસૈયો તારો શું સગો થાય જો ? ત્રિભુવનનો૦
અમે બ્રાહ્મણ ને તમે વાણિયા રે લોલ,
સગો તારો શી રીતે થાય જો ? ત્રીભુવનનો૦
નરસૈયાએ પગે બાંધ્યા ઘૂઘરા રે લોલ,
લગાવી છે રાધેશ્યામની ધૂન જો. ત્રીભુવનનો૦
મહેતા નરસિંહના સ્વામી શામળા રે લોલ,
મીરાંના ગિરિધર ગોપાલ જો… ત્રીભુવનનો૦