સુખદુઃખ મનમાં ન આણીએ

નરસિંહ મહેતા
ભજનરામ
18
સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં સુખદુઃખ મનમાં ન આણીએ. નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી સુખદુઃખ મનમાં ન આણીએ. પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી સુખદુઃખ મનમાં ન આણીએ. સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી સુખદુઃખ મનમાં ન આણીએ. રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી સુખદુઃખ મનમાં ન આણીએ. હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી સુખદુઃખ મનમાં ન આણીએ. શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી સુખદુઃખ મનમાં ન આણીએ. એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે સુખદુઃખ મનમાં ન આણીએ. સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી સુખદુઃખ મનમાં ન આણીએ.
નરસિંહ મહેતા