શીલવંત સાધુને વારે વારે નમીએ

ગંગાસતી
ભજનસામાન્ય
18
શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વ્રતમાન જો; રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે….. સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે; સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે…… શીલવંત સાધુને… વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે; અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. શીલવંત સાધુને…. પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે; પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… શીલવંત સાધુને…. સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર; ગંગાસતી કહે સાંભળો પાનબાઈ, દેખાડે અલખના દ્વાર… શીલવંત સાધુને….
ગંગાસતી