મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે,
ભલે ને ભાંગી તો પડે રે બ્રહ્માંડ જી,
વિપતિ પડે તો યે વણસે નાંહી ને,
સોઈ હરિજનનાં પરમાણ જી. મેરૂ..
ચિતની તો વૃત્તિ જેની સદાય જ,
નિર્મળ ને કોઈની કરે નહિ આશ જી,
દાન દેવે પણ રહેવે અજાચીને,
રાખે વચનમાં વિશ્વાસ રે. મેરુ..
હરખ ને શોકની જેને નવ આવે હેડકી,
ને આઠે પહોર રે’વે આનંદેજી,
નીત્ય ઝીલે રૈ સત્ સંગમાં ને રે
તોડે મોહમાયા કેરા ફંદ રે. મેરુ..
તન-મન-ધન જેણે ગુરુજીને આપ્યા,
તે નામ-નિજારી નર નાર જી,
એકાંતે બેસીને આરાધ માંડે,
તો અલખ પધારે એને દ્વારા રે. મેરું..
સંગત કરો તો તમે એવાની કરજો,
જે ભજનમાં રહેવે ભરપૂર રે,
ગંગા સતી એમ બોલિયાં,
જેને નેણે તે વરસે ઝાંઝા નીર રે. મેરુ..