મન મરિયું તેને ત્યાગી કહીએ રે

ગંગાસતી
ભજનસામાન્ય
18
મન મરિયું તેને ત્યાગી કહીએ રે, મરને વરતે વહેવાર માંય રે; ભીતર જાગ્યા તેને ભ્રાંતિ ભાંગી ને, તેને નહિ નડે માયાની છાંય રે. મન મરિયું તેને ત્યાગી કહીએ રે... આદર્યો અભ્યાસ ને મટી ગઈ કલ્પના, આનંદ ઊપજ્યો અપાર રે; વ્રતમાન બદલે પાનબાઈ ! તેનું રે, જેને લાગ્યો વચનુંમાં તાર રે. મન મરિયું તેને ત્યાગી કહીએ રે... આસન ત્રાટક ખટમાસ સિદ્ધ કર્યું ને, વરતી થઈ ગઈ સમાન રે; ગુરુને શિષ્યની થઈ ગઈ એકતા ને, મટી ગયું જાતિનુંમાન રે. મન મરિયું તેને ત્યાગી કહીએ રે... પદાર્થની અભાવના થઈ ગઈ તેહને રે, વાસનાની મટી ગઈ તાણાવાણ રે; ગંગાસતી એમ બોલિયાં રે, જેને થઈ ગઈ સદ્દગુરુની ઓળખાણ રે. મન મરિયું તેને ત્યાગી કહીએ રે...
ગંગાસતી