જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ

નરસિંહ મહેતા
ભજન
18
જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી. શુ થયું સ્નાન સંધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર રહી દાન દીધે? શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે, શું થયું વાળ લુંચન કીધે? શું થયું જપ તપ તીરથ કીધા થકી, શું થયું માળ ગ્રહી નામ લીધે? શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી, શું થયું ગંગાજળ પાન કીધે? શું થયું વેદ વ્યાકરણ વાણી વદે, શું થયું રાગ ને રંગ માણ્યે? શું થયું ખટ દર્શન વેદ સેવ્યા થકી, શું થયું વરણના ભેદ આણ્યે? એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા, આતમારામ પરિબ્રહ્મ ન જોયો; ભણે નરસૈંયો તત્વદર્શન વિના, રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.
નરસિંહ મહેતા