જેના મન નવ ડગે

ગંગાસતી
ભજનસામાન્ય
18
મેરુ તો ડગે પણ જેના મન નવ ડગે, ભલે ભાંગી પડે ભરમાંડ રે, વિપત પડે પણ વણસે નહીં, સોહી હરિજનનાં પ્રમાણ રે. ...મેરુ. ચિત્તની વૃત્તિ સદા નિર્મળ રાખે ને, કરે નહીં કોઈની આશ રે, દાન દેવે પણ રહેવે અજાચી ને, રાખે વચનમાં વિશ્વાસ રે ...મેરુ. હરખ ને શોકની ન જેને આવે હેડકી ને, આઠે પહોર રહેવે આનંદ જી, નિત્ય રહે સતસંગમાંને, તોડી દીધાં માયા કેરાં ફંદ રે ...મેરુ. સંગત કરો તો તમે એવાની કરજો ને, ભજનમાં રહેજો ભરપૂર રે, ગંગાસતી એમ બોલિયાં રે, જેનાં નયણોમાં વરસે સાચાં નૂર રે...મેરુ.
ગંગાસતી