હરિને ભજતાં હજી કોઇની લાજ, જતી નથી જાણી રે

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
હરિને ભજતાં હજી કોઇની લાજ, જતી નથી જાણી રે; જેની સૂરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે. (ટેક) વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે. વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે.. હરિને૦ (૧) વહાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો; ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે… હરિને૦ (૨) વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે; પાંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે… હરિને૦ (૩) આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે, કર જોડી કહે ‘પ્રેમળદાસ’ ભક્તોનાં દુઃખ હરશે રે. હરિનેo (૪)
નરસિંહ મહેતા