ગોવિંદો પ્રાણ અમારો રે

મીરાબાઈ
ભજનકૃષ્ણ
18
ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે, એવો મારો રામજી વાલો રે બીજો મારી નજરે ન આવે રે. મીરાંબાઈના મહેલમાં રે, હરિ સંતનો વાસ કપટથી પ્રભુ દૂર વસે, તારા સંતોની પાસ. ગોવિંદો… રાણાજી કાગળ મોકલે રે, દે જો મીરાંને હાથ, સાધુની સંગત છોડી ઘો તમે વસો અમારી સાથ. ગોવિંદો… મીરાંબાઈ કાગળ મોકલે રે દે જો રાણાજીને હાથ, રાજપાટ તમે છોડો રાણાજી વસો સાધુને સાથ. ગોવિંદો… ઝેરનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ, અમૃત જાણી મીરાં પી ગયાં, જેની સહાયે છે શ્રી ભગવાન.ગોવિંદો… સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો કોસ દૂર, રાણાજીના દેશમાં રે મારે જળ રે પીવાનો દોષ. ગોવિંદો… ડાબો મેલ્યો મેવાડમાં ને મીરાં ગયા પશ્ચિમમાંય સર્વે છોડી મીરાં નિસર્યાં રે જેનું માયામાં મનડું ન હોય. ગોવિંદો… સાસુ મારી સુષુમણા રે સસરો પ્રેમ, સંતોષ જેઠ જગજીવન જગતમાં રે, મારો નાવલિયો નિર્દોષ. ગોવિંદો… ચૂંદડી ઓઢું ત્યારે રંગ ચૂવે રે રંગબેરંગી હોય, ઓઢું હું કાળો કામળો રે, દૂજો ડાઘ ન લાગે કોય, મીરાં હિરની લાડલી રે, રહેતી સંત હજુર, સાધુ સંધાતે સ્નેહ ઘણો, પેલા કપટીથી દિલ દૂર.ગોવિંદો.
મીરાબાઈ