ગાંડાની વણઝાર, જેનો ગણતાં ના’વે પાર,
જુવો તમે ગાંડાની વણઝાર
શુકજી ગાંડો, ધ્રુવ ગાંડા, ગાંડો દૈત્ય કુમાર,
નારદજી તો એવા ગાંડા, જેણે બાંધ્યાં નહિ ઘરબાર-(૧)
જુવો તમે ગાંડાની વણઝાર
હનુમતં ગાંડા, વિભીષણ ગાંડા, ગાંડા શબરી નાર
ગૃહરાજા એવા ગાંડા, પગ ધોઈ પ્રભુને ઉતાર્યા પાર-(૨)
જુવો તમે૦
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વહેવાર
બંસીનાદે ચાલી નીકળી, સૂતા મેલીને ભરથાર-(૩)
જુવો તમે૦
સુદામાએ ગાંડપણમાં, વેઠયા ભૂખ અંગાર
પાંડવો એવા ગાંડા હતા, જેણે છોડયા નહિ કિરતાર-(૪)
જુવો તમે૦
વિદુરજીની પત્ની ગાંડી, રટે નંદકુમાર
છબીલાને છોતરાં આપ્યાં, ગર્ભને ફેંકી દેનાર-(૫)
જુવો તમે૦
બોડાણાના ગાંડપણે તો, કામ કર્યું હદ બહાર
દ્વરાકાના ઠાકર આવ્યા, ડાકોર ગામ મોજાર-(૬)
જુવો તમે૦
કબીર તુલસી સૂર ગાંડો, ગાંડો રોહિદાસ ચમાર
ગારો ગાંડપણમાં, ગાંડો કીધો સંસાર-(૭)
જુવો તમે૦
દાદૂ ગાંડો, પીપો ગાંડો, તૂકો ગાંડો, અખૈયો સોનાર
સખુ ગાંડી, મીરાં ગાંડી, કરમા ગાંડી જેણે તોડયો જગથી તાર-(૮)
જુવો તમે૦
ધીરો ગાંડો, ધનો ગાંડો, ગાંડો પ્રીતમ પ્યાર
પંઢરપુરમાં ગોરો ગાંડો, ઘડાનો ઘડનાર-(૯)
જુવો તમે૦
દામો, નેમો, ભોજો ગાંડો, ગાંડો મૂળદાસ લુહાર
જલારામની વાતો શી કરવી, વળાવી ઘરની નાર-(૧૦)
જુવો તમે
જૂનાગઢનો નાગર ગાંડો, નાચ્યો થેઈ શેઈકાર
બાવન કામ કર્યાં શ્રી હરિએ, પણ આવ્યો નહિ અહંકાર-(૧૧)
જુવો તમે૦
થયા ઘણા ને હાલમાં છે પણ, ભવિષ્યમાં થનાર
ભક્ત કુળનો નાશ નહિ ને, એમ બોલ્યાં જુગદાધાર-(૧૨)
જુવો તમે૦
દુનિયાએ જેને ગાંડા ગણ્યા, પણ હરિને મન હુંશિયાર
ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડુ, ગાંડા સાંભળનાર-(૧૩)
જુવો તમે૦