એવા રે અમો એવા રે એવા, તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે
જેનું મન જે સાથે બંધાણું, પહેલું હતું ઘર રાતું રે
હવે થયું છે હરિરસ માતું, ઘેર ઘેર હીંડે છે ગાતું રે
સઘળા સંસારમાં હું એક ભૂંડો, ભૂંડાથી વળી ભૂંડો રે
તમારે મન માને તે કહેજો, નેહ લાગ્યો છે ઊંડો રે
કરમ-ધરમની વાત છે જેટલી તે મુજને નવ ભાવે રે
સઘળા પદારથ જે થકી પામ્યો, મારા પ્રભુની તોલે ન આવે રે
હળવા કરમનો હું નરસૈંયો, મુજને તો વૈષ્ણવ વહાલા રે
હરિજનથી જે અંતર કરશે, તેના ફોગટ ફેરા ઠાલાં રે