આણાં

પરંપરાગત
ભજનભક્તિ
18
આવી આવી વગડા વીંધી વેલ્ય જો. ઘૂઘરીએ ઘમઘમતા આવ્યા ઘોડલા; આજ ફળી અંતરની એકલ આશ જો મીઠલડી માવડીએ આણાં મોકલ્યાં… ૧ મેં જાણ્યું જે ભૂલી મુજને માત જો, બાપુને અંતરથી છૂટી બેટડી ! ભાભલડીના ઉરનો ભાળી ભાવ જો બંધ વડે વિસારી એની બ્લેનડી !..૨ શેરડીએ વીરાનો શીળો સાદ જો, શીળા એને ઉર શોભે સંદેશડા; મીઠાં મીઠાં મહિયરના કેરાં માન જો, મહિયરના મારગડા મનને મીઠડા… ૩ સાસુજી ! આપો ને અમને શીખ જો, ભાવભર્યાં એ ભાંડરડાંને ભેટવા; જોશું જોશું વહાલેરી વનવાટ જો, જોશું રે મહીયરનાં ઝાડવાં… ૪ જોશું રે જોશું દાદાનો દરબાર જો, કાળજડે રમતા એ ગઢનાં કાંગરા; વીરાજીના રઢીયાળા રણવાસ જો, લણમાં ખૂંદેલાં એનાં આંગણાં… ૫ મીઠો વરસે માવલડીનો મેહ જો, ન્હાશું એના ઝરમર ઝરતા નીરમાં, ત્યજશું ઊંડો અંતરનો પરિતાપ જો, શીતળતાની ભરશું હેલ શરીરમાં… ૬ સામો મળશે સાહેલીનો સાથ જો, આંખલડીનાં આંસુ આદર આપતાં; વાતલડીનો વધતો વેગ વિશાળ જો, મીઠા કૈંક મનોરથ મનમાં મ્હાલતા… ૭ વસમી લાગે ભવની લાંબી વાટ જો, મહિયરને મારગડે શીળી છાંયડી; પળ પળ પીવાં કૈંક જગતના ઝેર જો, માડીના કરમાંય સજીવન સોગઠી… ૮
પરંપરાગત