અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે; વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે, કનક કુંડલ વિષે ભેદ ન હોયે; ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગ્રંન્થે ગડબડ કરી, વાત ન ખરી કહી, જેહને જે ગમે તેને તે પૂજે; મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે; ભણે નરસૈંયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
નરસિંહ મહેતા