અખંડ રોજી હરિના હાથમાં

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚ વાલો મારો જુવે છે વિચારી ; દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી… હે જી વ્હાલા… જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ; સરવને વાલો મારો આપશે‚ હે જી તમે રાખો ને વિશવાસી… હે જી વ્હાલા… નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ; ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી… હે જી વ્હાલા… ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ; ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી… હે જી વ્હાલા…
નરસિંહ મહેતા