આજ રે શામળિયે વહાલે

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે; રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે. આજ રે શામળિયે વહાલે.... શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે; રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે. આજ રે શામળિયે વહાલે... જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે; વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે. આજ રે શામળિયે વહાલે... ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે; આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે. આજ રે શામળિયે વહાલે... રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે; આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે. આજ રે શામળિયે વહાલે... થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે; ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે.
નરસિંહ મહેતા