આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે

નરસિંહ મહેતા
ભજનસામાન્ય
18
આજ રે શામળિયે વહાલે અમ-શું અંતર કીધો રે; રાધિકાનો હાર હરિએ રુક્મિણીને દીધો રે. આજ…. શેરીએ શેરીએ સાદ પડાવું, ઘેર ઘેર હીંડું જોતી રે; રાણી રુક્મિણીની કોટે મેં તો ઓળખ્યાં મારાં મોતી રે. આજ…. જાગતી તો લેવા ના દેતી, કર્મ-સંજોગે સૂતી રે; વેરણ નિદ્રા મુને આવી, ‘હરિ હરિ’ કરીને ઊઠી રે. આજ…. ધમાણ મંગાવું ને ગોળો ધિકાવું, સાચા સમ ખવરાવું રે; આજ તો મારા હર કાજે નારદને તેડાવું રે. આજ…. રાધાજી અતિ રોષે ભરાણાં, નેણે નીર ન માય રે; આપો રે, હરિ ! હાર અમારો, નહિતર જીવડો જાય રે. આજ…. થાળ ભરી શગ મોતી મંગાવ્યાં, અણવીંધ્યાં પરોવ્યાં રે; ભલે રે મળ્યો નરસૈંયાનો સ્વામી, રૂઠ્યાં રાધાજી મનાવ્યાં રે. આજ….
નરસિંહ મહેતા