આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે

નરસિંહ મહેતા
ભજનકૃષ્ણ
18
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે, એને કોઈ ન્યાળોરે. ટેક. બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવીરે, ત્રણ લોકનું તેજ તારુણી, એ તો છબિ છબિલે બનાવીરે. એને. ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે; સાળુડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. એને. વાસ પુર્યો એણે વૃન્દાવન માં, ગોવરધન થકી આવેરે; એ નારીની જાત કોઈ જાણે, તેનો ફેરો ફાવે રે. એને. કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગીધારી રે, બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. એને. અંતર હેત પોતાનું જાણી, એ તો આવે છે અંતરજામીરે. વ્યભિચાર મૂકી જુઓ વિચારી, એતો નરસૈંતાચો સ્વામીરે. એને.
નરસિંહ મહેતા