આ ઈતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે

ગંગાસતી
ભજનસામાન્ય
18
આ ઇતિહાસ જ્યારે પાનબાઈએ સાંભળ્યો રે, ત્યારે લાગ્યાં સતીને પાય આજ મને તમે પાવન કીધી ને, અંગમાં આનંદ ન માય રે... આ ઇતિહાસ જ્યારે... ભાઈ રે ! મોહરૂપી પડળ ઊઘડી ગયાં રે, હવે બીજું ગોઠે નહિ કાંઈ રે; જગત સરવે મને જૂઠું જણાયું ને, જાગ્યો પ્રેમ ઉરમાંય રે... આ ઇતિહાસ જ્યારે... ભાઈ રે ! હવે મને આપ અભ્યાસ કરાવો રે, ઈ રે માગું વરદાન રે; ભલે રે તમે મારો મોહ ટાળ્યો ને, પવિત્ર તમારાં દર્શન રે... આ ઇતિહાસ જ્યારે... ભાઈ રે ! જેથી આવાગમન નડે નહિ ને, જીવદશા મટી જાય રે; એવો ઉપદેશ આપો મને રે, જેથી જીવન્મુક્ત દરશાય રે... આ ઇતિહાસ જ્યારે... સરલવાણી ગંગાસતીની સાંભળી ને, પૂરણ પ્રગટયો અધિકાર રે; ગંગાસતી એમ બોલિયાં રે, હવે લાગ્યો વચનમાં એકતાર રે... આ ઇતિહાસ જ્યારે...
ગંગાસતી